રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવેલી દુકાનોનું બાંધકામ નબળું હોવાથી દુકાનધારકો મુશ્કેલીમાં મુકાયા છે. જૂના માર્કેટ યાર્ડમાં 10 લાખ અને 15 લાખ રૂપિયા વધારે ભરીને આપવામાં આવેલી આ દુકાનો જ્યારે બનાવવામાં આવી ત્યારથી અત્યાર સુધી અનેક મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોમાસામાં બધી દુકાનોમાં તથા ગોડાઉનમાં કોઈ પણ જાતની જણસ રાખી શકાય નહીં એટલું પાણી પડે છે તેમજ દુકાનોમાં જે ઇલેક્ટ્રિક કેબલ નાખવામાં આવ્યા છે તે સીધો પાઇપિંગ વગર નાખવામાં આવ્યો છે. જેથી શોર્ટ સર્કિટ થવાની પણ ભીતિ રહે છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આવેદનપત્ર પાઠવી દુકાનધારકોએ રજૂઆત કરી છે. યાર્ડનું બાંધકામ થયું તે સમયે જે એજન્સીને કામ આપ્યું તેને અને જવાબદાર તમામ વહીવટી અઘિકારીઓ તેમજ કમિટીને નોટિસ આપી તમામ દુકાનોને રીપેરીંગ કરાવી આપવાની માંગ કરી છે.