આજે ભાજપ સંકલનની બેઠક બાદ પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં એજન્ડા પર રહેલી તમામ 11 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ બેઠક બાદ માહિતી આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે કુલ સાત દરખાસ્તમાં કર્મચારીઓના પરિવારજનોને સારવાર માટે 14.24 લાખ ચુકવવા માટેનો પ્રસ્તાવ આવ્યો હતો. આ તમામ સાત દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. પરંતુ મેડીકલ સહાય માટે યુનિફોર્મ પોલીસી બની રહે તે દિશામાં પણ વિચાર કરવામાં આવ્યો છે. તેમજ મોટો પગાર લેતા ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ ઘણી વખત મેડીકલેઇમ પોલીસી ધરાવતા હોય છે. પાત્રતા ધરાવતા અનેક કર્મચારીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. જે બાકી છે તેમને પણ પાત્રતાના આધારે કાર્ડ લેવા માટે કાર્યવાહી કરાવવામાં આવે છે. હવે મનપામાં સ્ટાફના આશ્રિતોને મેડીકલ સહાય આપવાની નીતિ વર્ષોથી છે પરંતુ કચેરી પર બોજ ન પડે તે માટે ભૂતકાળમાં સામુહિક વિમા લેવાની કાર્યવાહી શરૂ થઇ હતી. જે આગળ વધી શકી નથી. આમ તો દરખાસ્ત વખતે જ અન્ય મેડીકલ લાભ ધરાવતા કર્મચારીઓની ભલામણ ન મોકલવા અને ચોકસાઇ કરવા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં આજે વધુ એક નિયમ જોડવામાં આવ્યો છે. પુષ્કર પટેલે જણાવ્યું હતું કે કોઇ કર્મચારીની દરખાસ્ત આવે અને મંજુર થાય તો ચુકવણા પૂર્વે આ કર્મચારી કે અધિકારીએ સોગંદનામુ આપવું પડશે. તેઓ કોઇ પણ જાતના મેડીકલેઇમ ધરાવતા નથી કે સરકારી હેલ્થકાર્ડ ધરાવતા નથી તે પ્રકારનું કાનુની લખાણ આપવાનું રહેશે. આ એફીડેવીડ મળ્યા બાદ જ પેમેન્ટ કરવામાં આવશે. કોઇ પણ ક્ષતિથી આવા લાભાર્થીની દરખાસ્ત આવી જાય તો તે ચકાસણીમાં પકડાઇ જશે અને કોઇ ગેરલાભ નહીં લઇ શકે.