રાજકોટ મનપા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 96 દરખાસ્તો રજૂ કરાઈ હતી. આ પૈકી રેલનગર અન્ડરબ્રીજમાં વોટરપ્રુફિંગ સહિતની રૂ. 30 કરોડની કુલ 81 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જ્યારે 15 જેટલી દરખાસ્તો વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. પેન્ડિંગ રાખવામાં આવેલી દરખાસ્તમાં ભરતી માટેના નિયમો અને કાલાવડ રોડ કપાતને લઇને આવેલી દરખાસ્ત સામેલ છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલના જણાવ્યા મુજબ, આ બેઠકમાં રેલનગર અન્ડરબ્રીજમાં વોટરપ્રુફિંગને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં વોર્ડ નં.3ના રેલનગર અંડરબ્રીજનું નિર્માણ થવા છતાં આ પુલમાં હજુ પાણી અંગેનો પ્રશ્ર્ન ઉકેલાતો નથી. ત્યારે અંડરબ્રીજમાં પાણી ભરાતુ રોકવા માટે બ્રીજમાં ગ્રાઉડીંગ કરી આધુનિક ટેકનોલોજીથી વોટર પ્રુફીંગ કરાવવા નિર્ણય લેવાયો છે. આ માટે રૂા. 57 લાખનું બજેટ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. આ કામ માટે 48.14 લાખનું ટેન્ડર બહાર પાડતા ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝે 18.51 ટકા વધુ ભાવ માંગતા યોગ્ય ગણી તેને કામ આપવા દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાય છે. જેમાંથી લોકોને મુક્તિ મળે તેના માટે તમામ મુખ્ય સર્કલનો સર્વે કરાવવામાં આવશે. અને આ સર્વે બાદ જરૂરી હોય તે સર્કલને નાનું-મોટું કરી લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે ખાસ સલાહકાર નિમવા દરખાસ્ત આવી હતી. જેને મંજુર કરવામાં આવી છે. રાજકોટ શહેરના જુદા જુદા મુખ્ય રસ્તા પર આવેલ જંકશન, સર્કલ ઉપરાંત ડિવાઇડરને ટ્રાફિકને અનુરૂપ બનાવવા ડિઝાઇન, રી-ડેવલપમેન્ટના કામ માટે સલાહકાર નિમવામાં આવશે. શહેરમાં સર્કલ યુનિફોર્મ ડિઝાઇન અને ટ્રાફિકને અનુકુળ ડિઝાઇનના બને તે માટે આ નિર્ણય લેવાયો છે. આમ આજે મળેલી સ્ટેન્ડીંગની બેઠકમાં રસ્તા, ડ્રેનેજ સહિતના વિકાસ કામો કરવા માટે 30,15,56,822નાં કામો મંજુર કરવામાં આવ્યા હતા.