રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે એક મોટા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખૂન, ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 38 આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડિમોલિશનની કાર્યવાહીમાં કુલ 2610 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની અંદાજિત કિંમત 6કરોડ 52 લાખ 50 હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ ગુનાની પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા નાણાંથી આ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા. આવા ગુનેગારોને કાયદાનો ડર રહે અને સમાજમાં એક દાખલો બેસે તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લોકોએ આવકારી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા બદલ પોલીસની પ્રશંસા કરી છે.