રાજકોટ શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. ત્યક્તા સાથે તેના પૂર્વપતિ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાબતની ફરિયાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા નોંધવામાં ન આવતા મહિલાએ ગૃહ સચિવ તેમજ ગૃહ મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી હતી. ત્યારે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવતા રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ દ્વારા મહિલાના પૂર્વ પતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નવ દિવસ પૂર્વે નોંધવામાં આવી ત્યારે મહિલાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ મારામારીની ફરિયાદ આજ દિવસ સુધી નોંધવામાં નથી આવી. છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પણ ગાંધીગ્રામ પોલીસ દ્વારા રાજકોટ શહેરમાં તેના હરતા ફરતા પતિને ઝડપી પાડવામાં નથી આવી રહ્યો. મહિલાના પૂર્વ પતિ દ્વારા એક વર્ષ પૂર્વે મહિલા સાથે છૂટાછેડા લેવા બાબતે 15 લાખ ચૂકવવામાં આવ્યા હતા સાથે છુટાછેડાના કાગળિયામાં પણ મકાનનો કબજો મહિલા પાસે રહેશે અને મકાનના તમામ હપ્તા મહિલાનો પૂર્વ પતિ ભરશે તે પ્રકારનું લખાણ કરવામાં આવ્યું હતું. જોકે લખાણ કરવામાં આવ્યા છતાં મહિલાના પૂર્વ પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા. તેમજ ત્યારબાદ મહિલા અને તેના પુત્રને એકલવાયું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મહિલા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પાસે મદદની માંગણી કરવામાં આવી છે.