રાજકોટ નજીક વાજડીગઢની તપસ્વી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચડ્ડીબનિયાન ગેંગ ત્રાટકી હતી. જ્યાં સરસ્વતી માતાની ચાંદીની મૂર્તિ અને ત્રણ લેપટોપની લૂંટ કરી હતી ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં એક ઓરડીમાં રહેતા ચોકીદાર દંપતીને માર મારી મંગળસૂત્ર-બુટિયા લૂંટયા હતા. જોકે ઝપાઝપી થતા મંગળસૂત્ર ત્યાં જ ફેંકી દીધું હતું જે પાછળથી પોલીસે શોધી કાઢ્યું હતું. તેમજ ચોકીદાર અને તેના પત્ની ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાત્રે 2 વાગ્યા આસપાસ ઘટના બની હતી. રાત્રે જ સ્કૂલ સંચાલક અમિષભાઈ દેસાઈ દોડી ગયા હતા, પોલીસને જાણ કરાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તપાસમાં લાગી ગયો હતો. પાંચથી 6 આરોપી હતા. કોઈ રોકડ ન મળી તો તસ્કરોએ મોટા પાયે સ્કૂલમાં તોડફોડ કરી હતી. રૂમના દરવાજા, ટેબલોના ડ્રોયર તોડ્યા હતા. દેકારો થતા આસપાસના ખેતરમાંથી ખેડૂતો-મજૂરો દોડી આવતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. જેને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.