26 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે યોજાયો ‘‘વિશ્વ તમાકુ નિષેધ દિન’’નો કાર્યક્રમ


રાજકોટ તા. ૩૧ મે – સમગ્ર વિશવમાં ૩૧ મે ના રોજ ઉજવાતા ‘‘વિશ્વ તમાકુ નિષેધ દિન’’ નિમિતે ‘‘આપણને ખોરાકની જરૂરિયાત છે, તમાકુની નહીં’’ થીમ આધારિત કાર્યક્રમ રાજકોટ જિલ્લા પંચાયત, ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ(આરોગ્ય શાખા) દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી(સીડીએચઓ) ડૉ.નિલેશ.એમ.રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે તમાકુ નિષેધ અંગે જનજાગૃતિ ફેલાવતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્વાસ્થ્યને હાનિકારક તમાકુના સેવનથી દૂર રહેવાનો અનુરોધ કરતા જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડૉ. રાઠોડે કહયુ હતું કે તમાકુ એ આપણા શરીરને તો ખોખલુ કરી જ નાખે છે, વધારામાં કેન્સર જેવી બીમારીને નિમંત્રણ આપે છે. આજે દેશ અને દુનિયામાં લાખો લોકો તમાકુના કારણે જડબાના કેન્સરનો ભોગ બન્યા છે. જેનાથી આર્થિક રીતે પણ પોતે અને પરિવાર પાયમાલ થઇ જાય છે.
આ કાર્યક્રમનું સંચાલન વહીવટી અધિકારીશ્રી ડી.પી.ગોંડલિયાએ કર્યુ હતુ. તેઓએ ઉપસ્થિત લોકોને કહયુ હતું કે સરકારી સ્તરે તો તમાકુ નિષેધના કાર્યક્રમો યોજાય પરંતુ સામજિક સ્તરે લોકોએ પણ વ્યસનથી દૂર રહેવુ જોઇએ. પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજીએ પણ તમાકુ સહિતના વ્યસનથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી.
આ તકે તમાકુનું સેવન ન કરવા અંગેના શપથ ઉપસ્થિતોએ પણ લીધા હતા. આ પ્રસંગે આર.સી.એચ.ઓ.(રી પ્રોડકટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર) ડો.એમ. એસ. અલી, એ.ડી.એચ.ઓ.(એડિશનલ ડિસ્ટ્રિકટ હેલ્થ ઓફિસર) ડો. પપુકુમાર સિંગ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ડો.અશોક વાણવી, સુપરવાઇઝર સંજયભાઈ ઢોલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્ય શાખા, આઇ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ તથા લોકો ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં કેન્સર જેવી ખતરનાક બીમારીઓને મ્હાત આપી તમાકુ ત્યજી દેનારા બે વ્યક્તિઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં સુપરવાઇઝર તરીકે કાર્યરત કાંતીલાલ અઘેરાએ દોઢ વર્ષ પહેલા ચોથા સ્ટેજમાં પહોચેલા જડબાના કેન્સરને તો કારમી પછડાટ આપી છે.
તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાવ્યુ હતું. દાંતના દુઃખાવાની સારવાર બાદ પણ દુઃખાવો ન મટતાં કાંતિભાઇએ બાયોપ્સી કરાવી, જેમાં થયેલા કેન્સરના નિદાન બાદ કેન્સરની વ્યવસ્થિત સારવારને લીધે તેમને નવજીવન તો મળ્યુ જ, ઉપરાંત તેમણે તમાકુ છોડીને અન્ય લોકો પણ તમાકુ નિષેધ કરે તે માટેનું અભિયાન ઉપાડયુ છે. તમાકુના વ્યસનીઓને કાંતિભાઇ તમાકુ છોડાવવા માટે પ્રેરિત કરી રહયા છે. આજના ‘‘વિશ્વ તમાકુ નિષેધ દિને’’ તેઓએ કહયુ હતું કે, ‘હુ ખુબ તમાકુ ખાતો હતો અને ગામને પણ ખવડાવતો હતો. અને આ જ તમાકુએ મને અસાધ્ય બીમારી આપી. મારૂ શરીર ખોખલુ કરી નાખ્યુ. મને આર્થિક રીતે પણ પાયમાલ કરી નાખ્યો. એટલે આ વ્યસનથી દૂર રહેવુ જ હિતાવહ છે.’
આ ઉપરાંત એક સમયે દરરોજના ૫૦-૫૦ ગુટખા ખાનારા જિલ્લા પંચાયતના વર્ગ – ૪ના સેવક તરીકે કામ કરનારા વિજયાબેન સોલંકીએ પણ કેન્સરને હાર આપીને નવજીવન મેળવ્યું છે. આ વિશે પ્રતિભાવ આપતાં તેમણે કહયું હતું કે, હું જમ્યા વિના રહી શકતી હતી પણ તમાકુ વિના ન રહી શકતી. મને બ્રેસ્ટ કેન્સર થયુ. ત્રણ કિમો થેરાપી લીધી. મે મારા મજબુત મનોબળ થકી ગંભીર કેન્સરને તો અલવિદા કહયું, સાથો સાથ તમાકુને પણ ગુડબાય કરી દીધી. કેન્સરે મને આર્થિક, માનસિક અને શારીરિક રીતે હેરાન કરી હતી. મારી નાનકડી દીકરી પણ મારી આ બીમારીમાં ખૂબ હેરાન થઇ. પણ આમ છતાં મેં હિંમત ન હારી અને તમાકુ- ગુટખાને ત્યજી દીધા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -