32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લામાં કુલ રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે ૭૦ મોડલ આંગણવાડીઓ બનાવાઇ : ૪૭ આંગણવાડી રમતગમતના સાધનોથી સજ્જ


રાજ્ય સરકાર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આઇ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત આંગણવાડી દ્વારા બાળકના પોષણ અને શિક્ષણ બંનેની દરકાર લેવામાં આવે છે. બાળક અક્ષર જ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી કેન્દ્રમાં જઈ મેળવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણએ બાળકની પાયાની કેળવણી છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે ગમ્મત મેળવે અને આધુનિક પધ્ધતિની શૈક્ષણિક ઢબ તથા વિવિધ રમતોથી બાળકોનો સર્વાંગી વિકાસ વધુ મજબૂત થાય તે માટે રાજકોટ જિલ્લામાં ૭૦ આંગણવાડીઓને મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે. આ સાથે જ બાળકોના શારીરિક વિકાસ માટે ૪૮ આંગણવાડીઓને રમતગમતના સાધનોથી સજજ કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા પંચાયત રાજકોટના સ્વ-ભંડોળમાથી રૂ. ૧ કરોડ ૪૪ લાખ ૭૦ હજાર ૯૦૦ ખર્ચે મોડલ આંગણવાડી બનાવી તથા રમતગમતના સાધનો અર્પણ કરાયા છે. મોડલ આંગણવાડી માટે બે તબક્કામાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત, રાજકોટ સ્વ-ભંડોળ ગ્રાટ વર્ષ-૨૦૨૨-૨૩માંથી ફેઝ-૧ માં કુલ ૩૫ આંગણવાડીને મોડેલ બનાવવામાં આવેલ હતી. જેમનો એક આંગણવાડીનો ખર્ચ રકમ રૂ.૧,૯૩,૭૧૪/- થયો હતો અને કુલ ૩૫ આંગણવાડીની ખર્ચ રકમ રૂ.૬૭,૮૦,૦૦૦/- જેટલો થયેલ છે. આ તબક્કામાં આંગણવાડીઓને મેગ્નેટ બોર્ડ વિથ માર્કર, રમકડા, બુક વગેરે જેવી વિવિધ પ્રકારની કુલ ૧૩ વસ્તુઓ આપવામાં આવેલ હતી. ફેઝ-૨માં અન્ય ૩૫ આંગણવાડીઓને મોડેલ બનાવવામાં આવી. જેમનો એક આંગણવાડીનો ખર્ચ રકમ રૂ.૧,૩૪,૩૦૦/- અને કુલ ૩૫ આંગણવાડીનો ખર્ચ ૨કમ રૂ.૪૭,૦૦,૫૦૦/- જેટલો થયો હતો. જેમાં ટીવી, પેનડ્રાઈવ, કેલેન્ડર, જેવી વિવિધ પ્રકારની કુલ ૧૩ વસ્તુઓ આંગણવાડીઓને આપવામાં આવેલ છે.
આઉટડોર રમતો સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તે માટે રાજકોટ જિલ્લાના અલગ અલગ ૪૮ આંગણવાડી કેન્દ્રો પર રમત-ગમતના સાધનો જેવા કે હીંચકા, લપસીયા અને ઉચક-નીચક રૂ.૨૯,૯૦,૪૦૦/-ના ખર્ચે આપવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રો પર આકર્ષક શૈક્ષણિક ચિત્રો, સ્માર્ટ ટીવી, સ્પેશિયલ બોર્ડ, શૈક્ષણિક રમકડાં, વિવિધ પઝલ, બ્લોક સેટ, બાળકો માટેના ખાસ ૧૨ પ્રકારના પુસ્તકો વગેરે સવલતો આપી બાળકોને મોન્ટેસરી મેથડ, મૂલ્ય શિક્ષણ સાથે વિવિધ વિષયનું જ્ઞાન મળે તેવી તમામ સવલતો મોડેલ આંગણવાડી પર બાળકોને આપવામાં આવી રહી છે.
આ સુવિધાઓને કારણે બાળકો આંગણવાડી કેન્દ્રો પર ઉત્સાહથી આવતા થયા છે અને સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળેલ છે તેમજ વાલીઓ પણ બાળકોને નિયમિત આંગણવાડી કેન્દ્ર પર મોકલવા માટે પ્રેરાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -