રાજકોટ જિલ્લામાં 15 દિવસ પહેલા પડેલા કરા સાથેના વરસાદમાં 32 ગામોમાં ખેડૂતોને ખેત પાકોનું ભારે નુકશાન થયું હતું. જેમાં ખેડૂતોને સહાય ચૂકવવાનું તો દૂર હજુ સર્વે પણ પૂરો થયો નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે એક અઠવાડિયામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ જશે. જે બાદ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, ગત તા.26 નવેમ્બરના રાજકોટ જિલ્લાના ગામડાઓમાં કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને ખેત પાકોનું ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં કપાસ, તુવેર, એરંડા અને જીરુંના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોને સહાય માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં આ સર્વે પૂર્ણ થઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના 18 ગામોમાં સર્વે થઈ ગયો છે. જ્યારે પડધરી તાલુકાના 60માંથી 14 ગામોમાં ખેડૂતોને ખેતી પાકોમાં નુકસાની થઈ હતી. જેથી હવે આ ગામોમાં સર્વેની કામગીરી બુધવારથી શરૂ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ગામોમાં ખેત પાકોમાં થયેલા નુકસાનીના સર્વે માટે ગ્રામ સેવકોની 11 ટીમ બનાવવામાં આવી છે.