રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધો.6થી 8નું બીજું સત્ર ચાલુ થઇ ગયાના બે માસ કરતા વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી મોટાભાગની સ્કૂલોમાં અંગ્રેજી અને હિન્દીના પુસ્તકો ન મળ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યએ જિલ્લાની સ્કૂલોના ધો.6થી 8ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો ન મળ્યાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે સંપર્ક કરી તપાસ કરાતા તમામે હિન્દી અને અંગ્રેજી પાઠયપુસ્તકો ઓછા આવ્યાની કબૂલાત કરી હતી અને બીજા રાઉન્ડમાં ઘટતા પાઠયપુસ્તકો આવી જશે તેવી ખાતરી અપાયાનો જવાબ આપી ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળનો બચાવ કર્યો હતો. વધુમાં તેઓ જણાવ્યું કે કેટલી શાળાના કેટલા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત છે તેની કોઇ માહિતી પોર્ટલ પર પણ અપડેટ કરાઇ નથી તેથી અમારી પુસ્તક ન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા નથી, પરંતુ મારે પાઠ્યપુસ્તક મંડળમાં વાત થઇ ગઇ છે અને આગામી સપ્તાહે પુસ્તકો આવી જશે.