રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જ પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડામાં કામ કરનાર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ લોકોને નિષ્ઠાપુર્વક સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાના વાલી તરીકે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર વિકાસકામો થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના ૨૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં દબાણ દૂર કરવા, સીસીટીવી માટે ગ્રાન્ટ આપવા, સનદ, વારસાઇ એન્ટ્રી, ખેડુતો- સમાજને આપવાની થતી જમીન સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નોનું ઝુંબેશ સ્વરૂપે નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ જંત્રી રિસર્વે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની કામગીરી માટેની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. મંત્રીશ્રીએ હાલના ચોમાસામાં રાજકોટ રેડ એલર્ટમાં હોવાથી તંત્ર પૂરતું સાબદા રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના જર્જરીત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.
આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટર પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસ.પી ગ્રામ્ય જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.