રાજકોટમાં 7થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરૂ પાડવા સરદારધામના નેજા હેઠળ એક્સ્પો GPBS 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 25 એકરની વિશાળ જગ્યામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સ્પોમાં 25 એકર વિશાળ જગ્યામાં 1100 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. દેશ-વિદેશના લોકો મોટી સંખ્યામાં આ એક્સ્પોની મુલાકાત લેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વેપાર-ઉદ્યોગને વેગ મળશે. 7 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એક્સ્પો GPBS 2024 ના પ્રમુખ હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, PM મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રાજકોટ ખાતે 25 એકરમાં આ એક્સ્પોનું આયોજન કરાયું છે. જેમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજનાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સરદારધામ દ્વારા અલગ અલગ શહેરોમાં 2018 થી GPBS એક્સ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.