રાજકોટનું કરણસિંહજી બાલાજી મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. બાંધકામ બંધ કરવા હાઇકોર્ટનો સ્ટે હોવાનો દાવો કરાયો છે. છતાં કામ ચાલુ રહેતા, સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. 50 વર્ષ જૂનો ચબુતરો પાડી નાખ્યાનો આરોપ લાગતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. ઉપરાંત વર્ષો જૂનું અન્નક્ષેત્ર પણ બંધ કરાવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. સ્થાનિકોનું ટોળું જિલ્લા શિક્ષણાધિકારી પાસે દોડી ગયું હતું. અને શૈક્ષણિક હેતુ માટે મંદિરને સ્કૂલ આપી તો બાળકોનું મેદાન પચાવી જનાર સામે કાર્યવાહી કેમ નહીં? તેવો સવાલ ઉઠ્યો છે. આ અંગે આજે અચાનક કરણસિંહજી સ્કુલ ખાતે ડીઇઓ કચેરીઓમાં સ્થાનિક લોકોનું ટોળુ ઉમટી પડયું હતું. અને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે, અમે રજુઆતકર્તાઓ કરણપરા, પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેવાસી લોકો છીએ કરણસિંહજી સ્કુલનું ગ્રાઉન્ડ સ્કુલના બાળકો માટે સરકાર તેમજ હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ ઓર્ડર કરેલ ગ્રાઉન્ડમાં કોઇપણ જાતની પેશકદમી, ગેરકાયદે બાંધકામ થાય નહીં તેની જવાબદારી જીલ્લા શિક્ષણ અધિકારી અને કરણસિંહજી સ્કુલ પ્રિન્સિપાલની થાય છે. અને જો છેલ્લા 10 દિવસમાં આ પ્રશ્ર્નનો નિકાલ નહિ આવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશુ અને આ બાબતને લઇને અમો બધાને યોગ્ય ન્યાય નહિ મળે તો અમો આત્મવિલોપન કરતા પણ અચકાશુ નહિ જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. તેમ ચીમકી ઉચારી હતી.