રાજકોટમાં મહિલા સુરક્ષા અને દારૂબંધીના દાવાના ધજીયા ઊડ્યાં હોય તેમ એરપોર્ટ રોડ પર આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. તેમજ દારૂડિયાઓ દારૂ પી સોસાયટીના રહિશોને પરેશાન કરી રહ્યા છે જેથી આ સોસાયટીની મહિલાઓ રાત્રિના સમયે એકલામાં બહાર પણ નીકળી શકતી નથી. આ સાથે દારૂના નશામાં દારૂડિયાઓ મહિલાઓને બિભસ્ત ગાળો અને ધમકી આપી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બાઇક અને મકાનના બારી દરવાજાના કાચને પણ દારૂડિયાઓ નુકસાન પહોંચાડે છે. જેથી સ્થાનિકો દ્રારા પોલીસ,મેયર, કોર્પોરેટર સહિતનાઓને અનેક વખત લેખિતમાં રજૂઆત કરાઇ હોવાનો તેમજ દારૂડીયાના આતંક વિશે પોલીસને ફરિયાદ કરવામાં આવે ત્યારે પીસીઆર દારૂડિયાને ઉપાડી આગળના હનુમાન મઢી ચોકે ઉતારી દે છે તેવો આક્ષેપ સાથણીકો દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ સાથે વાતચિત કરતાં તેઓએ જણાવ્યું હતું કે દારૂડીયાના આતંક વિશે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે ત્યારે દારૂડિયા દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. તેમજ અમે પોલીસને હપ્તો આપીએ છીએ પોલીસ અમારું કાંઈ બગાડી લેશે નહીં તેવા તેવરથી દારૂડિયાઓ રહીશોને ધમકાવતા હોવાનું પણ સામે આવ્યું છે..