રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ સોસાયટી ખાતે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના 53 વર્ષીય નર્સ ચૌલાબેન પટેલની તેમના જ પાડોશમાં રહેતા 34 વર્ષીય કાનજી ભીમાભાઇ વાંજા નામના યુવકે છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક નર્સ ચાર મહિના પહેલાં અમદાવાદથી બદલી થઈને રાજકોટ આવ્યા હતા અને તેમના ઘરમાં એકલા રહેતા હતા. તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી છે. હત્યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્યાની શક્યતાએ પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી છે. જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.