તાજેતરમાં જ રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ટુ વ્હીલરચાલકને ગેરકાયદેસર રીતે પોતાની સત્તા ન હોવા છતાં ટ્રાફિક વોર્ડન દ્વારા રોકવાનો પ્રયાસ કરતાં બાઈકચાલક ફોરવ્હીલર સાથે અથડાયો હતો. જેના કારણે તે તેમજ તેની આગળ બેઠેલા બાળક રસ્તા પર પટકાયું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં અહેવાલ મીડિયામાં પ્રસારિત થયો હતો. અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ કરાતાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયા દ્વારા ટ્રાફિક વોર્ડન આદિત્ય ઝિંઝુવાડીયા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે ACP જે. બી. ગઢવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રાફિક કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને DCP પૂજા યાદવ દ્વારા તપાસ કરી આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડના જવાનોનું કામ માત્રને માત્ર શહેરમાં ટ્રાફિકનું નિયમન કરાવવાનું છે. તેમના સિવાય અન્યત્ર કોઈપણ પ્રકારની કામગીરી તેમને કરવાની રહેતી નથી હોતી.