રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. આજે રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ 17.77 કરોડના કરબોજ સાથેનું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું છે. હાલમાં પ્રતિદિન 1 રૂ. લેવામાં આવે છે જે વધારી 2 રૂ. લેવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, 12 વર્ષથી રાજકોટવાસીઓને રાજકોટ મહાનગર પાલિકા તંત્ર અમદાવાદ જેવું રિવરફ્રન્ટ આપવાના સપના દેખાડી રહ્યું છે. ફરી આ વર્ષે પણ આજી રિવરફ્રન્ટ માટે બજેટમાં જોગવાઇ કરાઇ છે. આજી રિવરફ્રન્ટ માટે જોગવાઈ પ્રથમ વખત 2012-13ના બજેટમાં કરવામાં આવી હતી.