રાજકોટશહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ચોમાસાના દિવસોમાં પાંચથી છ લોકોને રખડતા શ્ર્વાન કરડી ગયાની ઘટનાઓ બહાર આવી છે. એક જ ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓએ સારવાર લીધી હોય, આ વિગતો ઉજાગર થઇ છે.તેમજ આ ઘટના અંગે જે તે વિસ્તારના લોકોમાંથી મળેલી વિગતો મુજબ વોર્ડ નં.11ના મવડી, અંબિકા ટાઉનશીપ, ઉમિયા ચોક, ખીજડાવાળા રોડ, વોર્ડ નં.8ના અમીન માર્ગ અને હિંગળાજ નગર ચોક વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જ પાંચ લોકોને રખડતા શ્ર્વાનોએ બટકા ભરી લેતા તેઓને તાત્કાલીક સારવારની જરૂર પડી હતી. જોગાનુજોગ આ લોકો એક જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અને ઇન્જેકશન લેવા પહોંચ્યા હતા.આ સાથે વરસાદની સિઝનમાં આમ પણ ડોગ બાઇટીંગના કેસ વધતા રહે છે. અનેક વિસ્તારોમાં ચોમાસુ માહોલમાં રાત્રે લોકોની પાછળ શ્ર્વાન દોડવાની ઘટનામાં પણ વધારો થયો છે. આ ત્રાસ અંગે મનપાના એએનસીડી વિભાગના અધિકારી ડો.ઝાકાસણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ડોગ બાઇટીંગની કોઇ મોટી ફરિયાદો વધી નથી. છતાં જે તે વિસ્તારોમાં સતત ફરિયાદના આધારે ચકાસણી કરવામાં આવે છે. શ્ર્વાનોના વ્યંધીકરણની કામગીરી સતત ચાલુ રહે છે.તેમજ કોઇ વિસ્તારમાંથી જોખમી અને હડકાયા શ્ર્વાનોનો ત્રાસ હોવાની ફરિયાદ આવે ત્યારે તેમને પકડીને સારવારમાં રાખવામાં આવે છે. માધાપર પાસે મનપાએ ખાસ ડોગ સેન્ટર ઉભુ કર્યુ છે. આવા શ્ર્વાનો જ્યાં સુધી સારવારથી સ્વસ્થ અને શાંત ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વેશનમાં રહે છે. આમ રખડતા શ્ર્વાનોનો ત્રાસ અને તેનાથી લોકો પરનું જોખમ હટાવવા વિભાગની ટીમ સતત કામ કરતી રહે છે.