રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળમાં વેરાવળ મેઈન રોડ પર કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પલેક્સમાં આવેલી સિદ્ધિ વિનાયક નામની પાનની દુકાને રૂ. 3000ની ઉઘરાણીમાં 22 વર્ષીય યુવાન જયદીપ રાજેશભાઈ મકવાણાની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. જોકે આ ઉઘરાણી પણ તેના કાકા પાસે કરવામાં આવતી હતી અને એમાં કાકાને મારતા હોવાનું જોઈ મૃતક યુવાન તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડતાં તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસે પાનની દુકાનના સંચાલક યશ મનસુખ સોનગરા, તેના ભાઈ ચિરાગ મનસુખ સોનગરા અને તેની સાથેના અજાણ્યા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.