આગામી 27મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેકટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં લોકાર્પણ માટે રાજકોટ આવનાર છે. જેને લઈને તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટનાં લોકાર્પણ બાદ વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક જંગી જાહેરસભાનું સંબોધન કરશે. જેથી આ માટે ખાસ જર્મન ડોમ ઉભો કરવાની કામગીરી આજે સવારથી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત રાજકોટનાં જુના એરપોર્ટ ખાતેથી રેસકોર્સ સુધી રોડ-શો યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમ માટે હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો કે રોડ-શો અંગેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. પરંતુ ભાજપનાં સ્થાનિક નેતાઓ સાથે બેઠકનું બાદ આ અંગેનો નિર્ણય કરવામાં આવશે. આગામી 22 જુલાઈના રોજ વડાપ્રધાનનાં કાર્યક્રમની સમીક્ષા સહિતની વિવિધ બાબતોને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટની મુલાકાતે આવનાર છે. જેમાં સબ રાજીસ્ટર કચેરી રીનોવેટ થઈ હોય કલેક્ટર ઓફિસમાં આવી તૈયારીનું નિરીક્ષણ કરશે. તેમજ હેમુ ગઢવી હોલ ખાતે સ્નેહ સ્પેર્સ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગીર ગંગા ચેરીટેબલ ટ્રસ્ટના દાતાઓનું સન્માન કર્યા બાદ કણસાગરા કોલેજ ખાતે યોજાનાર પટેલ સેવા સમાજનાં કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. ત્યારે વડાપ્રધાનની વધુ એક મુલાકાતને લઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.