પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યાં છે. આવતીકાલે નરેન્દ્ર મોદી ફરી એક વખત રાજકોટમાં આવી રહ્યા છે. પહેલા તેમનો ભવ્ય રોડ-શો યોજાશે. ત્યાર બાદ સભાસ્થળ પર તમામ 5 ડોમની અંદર ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી પસાર થઈ સૌરાષ્ટ્રની જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારે કાર્યક્રમને લઈ વહીવટી તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દિલ્હી, આગ્રાના કારીગરોએ 600×800 ફૂટનો વિરાટ ડોમ ઊભો કર્યો છે. જ્યારે કાર્યક્રમને લોકો નિહાળી શકે એ માટે 5 ડોમમાં 35 LED સ્ક્રીન લગાવવામાં આવી છે. એક લાખ લોકો આ કાર્યક્રમમાં હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.