રાજકોટને હચમચાવી નાખે તેવી એક ઘટના આજે આકાર લઈ જવા પામી છે. લોકોની અવર-જવરથી હંમેશા ભરચક્ક રહેતા એવા સોની બજાર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા આજે અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કામ કરી રહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ પ્રારંભીક પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે આ લોકો રાજકોટ કે અન્ય કોઈ સ્થળે હુમલો કરવાની તૈયારી જ કરી રહ્યા હતા જે અંગેની જાણ થઈ જતાં એટીએસની ટીમે ક્ષણભરનો વિલંબ કર્યા વગર સોનીબજારમાં ત્રાટકીને ત્રણેય આતંકીઓ તેમજ તેના સંપર્કમાં રહેનારા દસેક જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ પછી એટીએસે બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી. આ સાથે છ મહિનાની અંદર દસથી વધુ મુસ્લિમ યુવકોનું બ્રેઈનવોશ કરીને તેમને હુમલા માટે તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન સાથે તાર જોડાયેલા હોવાની આશંકા-એટીએસના સત્તાવાર સૂત્રો દ્વારા કરવામાં આવી હતી. જો કે આ તમામ કાર્યવાહી મોડીરાત્રે કરવામાં આવી હોવાથી લગભગ બજારના સૌ વેપારીઓ અજાણ રહ્યા હતા અને જેવી સવાર પડી કે સોનીબજારમાંથી આતંકીઓ પકડાયા હોવાની વાત વહેતી થતાં જ વેપારીઓમાં ઉહાપોહ મચી ગયો હતો અને સવારે 10 વાગ્યાથી જ બજારમાં ટોળેટોળા એકઠાં થવાનું શરૂ ગયું હતું. દરમિયાન એટીએસના સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે પકડાયેલા લોકો સોની બજારમાં છેલ્લા પાંચથી દસ વર્ષ થયા સોનાનું મજૂરી કામ કરી રહ્યા છે. જો કે અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ કે જે અલ-કાયદા સાથે સંકળાયેલા છે તે અહીં જ કામ કરતાં કોલકત્તા સહિતના લોકો સાથે સંપર્ક વધારીને તેમનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. એટીએસે દરોડો પાડ્યો ત્યારે આ લોકો પાસેથી પીસ્તલ, જીવતા કાર્ટિસ સહિતના હથિયારો મળી આવ્યા હતા. આ લોકો છ મહિનાની અંદર દસથી વધુ મુસ્લિમ યુવકોનું બ્રેઈન વોશ કરીને તેમને હુમલા માટે તૈયાર કરવાનું કામ કરી રહ્યા હતા. આ લોકોના તાર બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકાને પગલે એટીએસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ આ લોકોના ઈરાદાઓ શું હતા, કોની કોની સાથે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દે એટીએસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો પણ જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ આ ઓપરેશન એટીએસના એસપી સુનિલ જોષી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓએ ગતરાતથી જ રાજકોટમાં મુકામ કર્યો છે. આ સાથે ઘટના અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસની કામગીરીને બિરદાતા જણાવ્યુ કે ત્રણેય અલકાયદાની કટ્ટરવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકવાદીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત એટીએસની ટીમ રાજકોટમાં વોચ રાખી રહી હતી. આ આતંકવાદીઓ પૈકી એક અમન મલિક એક વર્ષથી વિદેશી હેન્ડલર સાથે જોડાયેલો હતો, હેન્ડલર બાંગ્લાદેશી અલકાયદા ગૃપનો હેડ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આ આતંકીઓ ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા વિવિધ એપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. હથિયારનું શું કરવાના તે નક્કી કર્યુ ન હતુ. ગૂગલ પરથી હથિયાર ચલાવવા માટેની તાલીમ લેતા હતા. તેમની પાસેથી 10 કારતૂસ પણ મળી આવ્યા છે. ગુજરાતમાં આતંકી મોડ્યુલ સક્રિય કરવાનું તેમનું ષડયંત્ર હતુ. તેમની પાસેથી 5 મોબાઈલ અને કટ્ટરવાદી સાહિત્ય પણ મળી આવ્યુ છે. ટેલિગ્રામનો ઉપયોગ ગૂગલ હિસ્ટ્રીમાં પણ સામે આવ્યો છે. રેડિકલ મટિરિયલનો ઉપયોગ શું હતો તેના માટે ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ છે. તેમજ આતંકીઓની ધરપકડ કરીને તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા ATS એ ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેને રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રિમાન્ડ અરજી મુક્તા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ રાજકોટની જયુડિશયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ તરીકે ભરતભાઈ સોલંકી રોકાયા હતા.