રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા છે. સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં 33 કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. તેમાંજ ગઇકાલે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને જામીન અરજી રદ્દ કરી હતી. આ સાથે આ કેસમાં 20 પાનાનો ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે આ કેસમાં બચાવ પક્ષના વકીલ દ્રારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે અપુરતા છે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં ઉચાપાત મામલે તપાસ થવી ખૂબ જ જરૂરી છે ત્યારે હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાશે નહિ.તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ કેસમાં સરકારી વકીલ તરીકે એસ.કે,વોરાએ દલીલ કરી હતી કે પોલીસ દ્રારા આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્ય સહિત પાંચ શખ્સોની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.પોલીસ દ્રારા અત્યાર સુધી આગોતરા જામીન અરજીની સૂનવણીની રાહ હતી પરંતુ હવે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ત્યાગવલ્લભની મુશ્કેલી પણ વધી શકે છે.