રાજકોટમાં 15 ઓગસ્ટની અનોખી ઉજવણી કરવામાં આવશે જેમાં રોબિન હુડ આર્મી દ્વારા મિશન સ્વદેશ અંતર્ગત રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ અનાજ રોબિન હૂડ આર્મી જરૂરિયાત મંદ વિસ્તારોમાં અને ઝૂપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કરશે. રોબિન હુડ આર્મી દ્વારા માત્ર દસ જ દિવસમાં ત્રણ ટન જેટલું અનાજ એકઠું કરવામાં આવ્યું છે અને તેનું વિતરણ પણ હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મિશનમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે. તેમજ આ અંગે રાજકોટમાં રોબિન હુડ સંસ્થા સાથે જોડાયેલા મેહુલ રાઠોડે જણાવ્યું હતું કે અમારી સંસ્થા કોઈપણ લોકો પાસેથી એક પણ રૂપિયો વિના નિશુલ્ક કામ કરી રહી છે. જ્યારે દેશભરમાં અમારી સંસ્થા 400 કરતા શહેરોમાં કામ કરી રહી છે. જ્યારે વિશ્વમાં 14 જેટલા દેશોમાં અમારી સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં દર વર્ષે 15મી ઓગસ્ટની અમે અનોખી ઉજવણી કરતા હોઈએ છીએ, ત્યારે આ વખતે અમે 15મી ઓગસ્ટે અનાજની ડ્રાઇવ યોજી રહ્યા છીએ. જેમાં મિશન સ્વદેશ અંતર્ગત અમે જે તે વિસ્તારમાં આવેલી શાળા કોલેજો તેમજ અમારી સંસ્થા સાથે જોડાયેલા લોકો તેમના પરિવારજનોને જઈને અપીલ કરીએ છીએ કે એક મુઠ્ઠી અનાજ દાન કરે, જ્યારે આ અનાજ અમે ભેગું કરીએ છીએ ત્યારબાદ આ એકઠું થયેલું અનાજની અમે કીટ બનાવીએ છીએ અને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરીએ છીએ. આ વખતે ભારતભરમા જે મિશન ચલાવી રહ્યા છીએ. તેમાં 1000 ગામડાઓમાં અને અંદાજીત 1 કરોડ લોકોને આ અનાજનું વિતરણ કરવામાં આવશે.