રાજકોટ શહેરમાં શિક્ષણની કથડથી નીતિ સામે આવી રહી છે. શહેરના સામા કાંઠે કુવાડવા રોડ નજીક આવેલી એમએમ પટેલ સ્કૂલમાં છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ફક્ત બે જ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. શિક્ષકોની ઘટનો વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા. મીડિયા સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ત્રણ મહિનાથી અમારી સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે. આ બાબતે આચાર્યને પણ રજૂઆત કરી હોવા છતાં વિદ્યાર્થીઓની રજૂઆત ને ટાળી દેવામાં આવતી હતી. જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ આજે મેદાને ઉતર્યા હતા અને શિક્ષકોની ઘટને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે એક તરફ ભણતરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ભણાવવા માટે શિક્ષકો જ ન હોય તો કયા પ્રકારની સ્થિતિ થાય તે અહીંયા જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત બે જ શિક્ષકો અહીંયા અમને ભણાવે છે અને ચાર વિષય જ ભણાવવામાં આવે છે એ સિવાયના વિષયની અમારે જાતે તૈયારી કરવી પડે છે. તેમજ આ બે શિક્ષકો પણ ભણાવવામાં ઠાગાઠૈયા કરતા હોવાનું સામે આવ્યું છે.