સાંસદ મોહનભાઈ કુંડારિયા અને સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ને નવા રૂપાંતરિત LHB રેક ના સંચાલન નું શુભારંભ કર્યું હતું. હવેથી, ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા અને ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકને બદલે નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે દોડશે. આ સાથે કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ સાંસદ રામભાઈ મોકરીયાનો રેલવે સુવિધા વધારવામાં તેમના સતત પ્રયત્નો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા અને દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનોમાં એલએચબી રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં રાજકોટના માનનીય મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના, વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર આર.સી. મીણા, વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષ કુમાર મિશ્રા, રેલવે ના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.