આજરોજ ઈસરો દ્વારા ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું જેથી મિશન ચંદ્રયાન સફળ થાય તે માટે દેશવાસીઓ પ્રાર્થના કરી હતી. ત્યારે રાજકોટની AVPT કોલેજના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે ચંદ્રયાનની પ્રતિમાનું ફુલહાર વડે પૂજન કરી ગણપતિ મંત્ર સાથે આ મિશનની સફળતા માટેની પ્રાર્થના કરી હતી. આ તકે AVPT કોલેજના પ્રિન્સિપાલ દિલીપભાઈ વાગડિયાએ જણાવ્યું હતું કે, આજરોજ ચંદ્રયાન-3નું લોન્ચિંગ થઈ રહ્યું છે. તેની સફળતા માટે અમારી કોલેજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજનાં સ્ટાફ દ્વારા આ મિશનને સફળતા મળે અને વિશ્વમાં ભારતનું નામ રોશન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ ભારતે આ અભિયાનની શરૂઆત 2019થી કરી હતી અને અગાઉ પણ આવા બે મિશન કરી ચૂક્યા છીએ. ત્યારે આ મિશનને સફળતા મળે અને ચંદ્રયાન-3 વૈજ્ઞાનિકોએ કરેલી ગોઠવણ મુજબ ચંદ્ર ઉપર લેન્ડિંગ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.