રાજકોટ મહાપાલિકાના નવા મેયર સહિતની નવી બોડીના આજે મળેલા પ્રથમ જનરલ બોર્ડમાં તંત્ર દ્વારા રાજમાર્ગો પરથી દબાણો હટાવવા ચાલતી કામગીરી સામે ખુદ શાસક પક્ષના કોર્પોરેટરોએ સવાલોનો મારો ચલાવતા લાંબા સમય બાદ અધિકારીઓ ડિફેન્સની ભૂમિકામાં આવી ગયા હતા. પ્રજાના પ્રતિનિધિઓએ રાજમાર્ગોથી માંડી જુદા જુદા હોકર્સ ઝોન બહારના દબાણો અંગેની વાસ્તવિક સ્થિતિ રજૂ કરતા અધિકારીઓએ વધુ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવી પડી હતી. સભ્યો દ્વારા હોકર્સ ઝોનના થડા બારોબાર ભાડે આપી દેવાથી માંડી દબાણ હટાવ ટીમ કાર્યવાહીને બદલે ‘રોકડા’ લઇ જતી હોવાનો ધડાકો પણ કરવામાં આવ્યો હતો. તેમજ અધિકારીઓ દ્વારા આવી કોઇ પણ ફરિયાદ હોય તો પુરાવા આપવા અને તેના પરથી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી મર્યાદિત સ્ટાફમાં લોકોને પડતી હેરાનગતિ દુર કરવાનું કામ માંડ કરાતું હોવા જેવો જવાબ આપવામાં આવ્યો હતો. કમિશ્નર રજા પર હોય આજે તંત્ર વતી ડે.કમિશ્નર અનિલ ધામેલીયાએ જવાબો આપ્યા હતા. આ સાથે આજની સામાન્ય સભાના એજન્ડા પર કુલ 41 પ્રશ્ન હતા જેમાં સૌપ્રથમ ભાજપના મહિલા કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળાનો સવાલ હતો અને હોકર્સ ઝોન, દબાણ, આવાસ યોજનાની ચર્ચામાં એક કલાક પૂરી થઇ હતી.