રાજકોટમાં મધર્સ ડે નિમિતે સૌપ્રથમ વખત પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકાથોનમાં મહિલાઓને પરંપરાગત બાંધણી અને પટોળા સહિતના પોશાકમાં હાજર રહેવાની અપીલ પોલીસ કમિશનરે કરી હતી. જેને લઈ વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત પોશાકમાં ઉમટી પડી હતી અને શહેર પોલીસ દ્વારા આયોજિત વોકથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત આ વોકાથોનમાં દિવ્યાંગ બાળકો પણ ખાસ હાજર રહ્યા હતા. આ તકે શહેર પોલીસ દ્વારા માહિલાઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતેથી શરૂ થયેલી વોકથોન પ્રથમ એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક, પોલીસ કમિશ્રર કચેરી, જીલ્લા પંચાયત ચોક, અને બહુમાળી ભવન થઈને પોલીસ હેડ કવાર્ટર ખાતે પહોંચી હતી. જ્યાં વોકથોનનું સમાપન કરવામાં આવ્યું હતું.