રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસ માટે પડકાર બની ગયેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેવામાં અંતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. રાજકોટમાં છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે ચડ્ડી-બનીયાનધારી ટોળકી દ્વારા લૂંટ અને ચોરી થઈ રહી હોવાથી આ ગેંગને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા. જેમાં તેને સફળતા સાંપડી છે. જો કે હજુ આ ગેંગના આઠ લોકો ફરાર હોય તેમને ઝડપથી પકડી પાડવા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પડકાર ફેંકી રહેલી આ ગેંગને કોઈપણ ભોગે દબોચી લેવા આદેશ આપ્યા બાદ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ ડી.સી.સાકરિયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ગેંગને પકડવા માટે ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી.તે દરમિયાન જ્યાં જ્યાં લૂંટ-ચોરીનો બનાવ બન્યો હોય ત્યાંના સીસીટીવી કેમેરાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગેંગના આરોપીઓની એમઓ (મોડેસ ઓપરેન્ડી)નો તાગ મેળવવામાં આવ્યો હતો. આ પછી આજુબાજુના જિલ્લાઓમાં થયેલી લૂંટ-ચોરીની માહિતી એકઠી કરી ટેક્નીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ આખા ગુજરાતમાં અગાઉ પકડાયેલી ગેંગના સભ્યોનો ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી અત્યારે આ લોકો શું કરી રહ્યા છે તેની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેના અંતે આ ટીમોને સફળતા મળી છે.