રાજકોટના શહેરના રામનાથ પરા વિસ્તારમાં હાથીખાના રોડ પર ગઈકાલ સમી સાંજના પાર્કિંગ બાબતે માથાકૂટ થયા બાદ વાત વધુ ઉગ્ર બની હતી અને હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સિલ્વર માર્કેટ નામની દુકાન અને કારનો કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ અંગે જાણવા મળેલ વિગત મુજબ, રામનાથ પરા વિસ્તારમાં હાથીખાના રોડ પર આવેલ સિલ્વર માર્કેટ નજીક કાર પાર્કિંગ મામલે બે જુથ વચ્ચે ધોકા-પાઇપ સાથે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ત્યાં પડેલ કાર અને નજીકની દુકાનમાં તોડફોડ કરતાં કાચ તૂટ્યા હતાં. બાદમાં આ મામલે બંનેપક્ષો દ્વારા સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમી સાંજના બનેલી આ ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવને લઈ તાકીદે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી.