રાજકોટમાં ઓવરસ્પીડે વાહનો ચલાવતા ચાલકો સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જ તાજેતરમાં યાજ્ઞીક રોડ પર બેફામ સ્પીડે સર્પાકાર રીતે કાર ચાલતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. એ. ડિવિઝન પોલીસને આ વીડિયો ધ્યાને આવતા પીઆઈ ડી.એમ. હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.એન. વાઘેલા, એએસઆઈ એમ.વી. લુવા સહિતના સ્ટાફે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન કાર મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.8/10ના ખૂણે રહેતો હિમાંશુ મકવાણા ચલાવતો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી પોલીસ મથકે લવાયો હતો. પોલીસે કાયદાના પાઠ ભણાવતા આગવી સરભરા કરતા હિમાંશુએ માફી માંગી હતી અને હવે ક્યારેય આ પ્રકારે કાર નહીં ચલાવે તેવી બાંહેધરી આપી હતી ઉપરાંત અન્ય લોકોને પણ નિયમ પાડવા વીડિયોમાં માધ્યમથી કહ્યું હતું.