રાજકોટમાં ગયા વર્ષે નાનામવા રોડ પર TRP ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડની આગ હજુ પણ સંપૂર્ણપણે શમી નથી. આ ગોઝારી ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હવે તેની પ્રથમ વર્ષી નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ગઈકાલે ત્રિકોણબાગે વિરોધપ્રદર્શન કર્યાબાદ આજે બીજા દિવસે પોલીસ કમિશનર કચેરી ખાતે ‘ન્યાય આપો ન્યાય આપો પીડિતોને ન્યાય આપો’ તેમજ ‘ભાજપ હાય હાય’ જેવા નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જવાબદારોની સામે કડક પગલાં લેવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.