અગાઉ અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલા અને ગુજરાત સરકારમાં ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર કે જેઓ પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર ગણાવી રહ્યા છે, આજે ફરી તેઓ ચર્ચામાં આવ્યા હતા. ગુજરાતમાં આવેલા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. તેણે જણાવ્યું હતું કે પાસે પરકાયાની સિદ્ધિ છે અને તે તેનો જ ઉપયોગ કરે છે. એ પોતાની સિદ્ધિના બળે જ બીજાના મનની વાત જાણે છે. ભૂતકાળમાં પણ જેટલા બાબાઓ કળિયુગમાં આવ્યા અને ભગવાનના નામે ચરી ખાતા તે માણસો નિષ્ફ્ળ જઈ રહ્યા છે અને અનેક બાબાઓ જેલમાં ગયાના દાખલાઓ પણ આપણે સૌએ જોયા છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં આવ્યા પછી પૈસા અને કીર્તિ પ્રાપ્ત થાય એ માટે યોગભ્રષ્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે. ભૂતકાળમાં ભગવાનના નામે ચરી ખાનારા લોકો હવે નિષ્ફળ જઇ રહ્યા છે. આસારામનાં પાપ સામે આવ્યાં, તેની ધરપકડ થઇ પછી રામ રહીમની ધરપકડ થઇ. પછી રામપાલને સજા થઇ. ઓશો એ દુઃશાસનનો અવતાર હતો. તેમજ બધાનાં કૌભાંડો સામે આવ્યાં એ જ રીતે અન્ય કોઈ આ રીતે ચાલશે તો તેમની પણ હાલત આસારામ, રામરહીમ, ઓશો અને રામપાલ જેવી જ થશે..