રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરે ગઈકાલે જ ખાસ જાહેરનામું બહાર પાડી રાજકોટ શહેરના પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી માત્ર લકઝરી બસોની અવરજવર માટે સવારે 8.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી પ્રતિબંધ મુકી દીધો છે. આ જાહેરનામાનો રાજકોટ શહેરના ટ્રાવેલ્સ સંચાલકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે અને આ પ્રશ્નેઆજરોજ રાજકોટ ટ્રાવેલ્સ એસોશિએશનના પ્રમુખ દશરથ વાળા તથા સિદ્ધરાજસિંહ ચૌહાણ, ભાવેશ કનેરીયા, દીવ્યેશ ચોલેરા, હાર્દિકભાઈ ગોળવારા વગેરે એસો.ના હોદેદારોએ ધારાસભ્ય અને સાંસદને રૂબરૂ મળી રજુઆતો કરી હતી. ટ્રાવેલ્સ એસોશિએશનના હોદેદારોના જણાવ્યા અનુસાર પુનિતનગર ટાંકાથી માધાપર ચોકડી સુધી લકઝરી બસો માટે પ્રતિબંધના જાહેરનામા વચ્ચે ખાનગી બસ સંચાલકોને 150 ફુટ રીંગરોડ પર ઉભા રહેવાનો વિકલ્પ આપવામાં આવેલ હતો.તેમજ ટ્રાવેલ્સ એસો.ના હોદેદારોએ રજુઆતમાં એવું પણ જણાવ્યું હતું કે, તમામ લકઝરી બસોની હવે નવા 150 ફુટ રીંગરોડ પર ડાઈવર્ટ કરી દેવામાં આવેલ છે જેના કારણે ખાસ કરીને મુસાફરોને અંતર વધી ગયું છે અને આ અંતર વધતા રિક્ષાભાડામાં પણ તોતીંગ વધારો થઈ ગયો છે. અગાઉ રિક્ષાભાડુ રૂા.30થી40 થતુ હતું તેના બદલે હવે રિક્ષાભાડુ 150 રૂપિયા થઈ ગયું છે. ટ્રાવેલ્સ એસો.ના હોદેદારોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કેકેવી બ્રિજના કામના કારણે ટ્રાફિક સમસ્યા થતી હતી. જો કે હવે આ બ્રિજનું કામ પણ પુર્ણ થઈ ગયું છે અને એકાદ બે દિવસમાં તેનું લોકાર્પણ થનાર છે.આથી હવે અત્રે ટ્રાફિક સમસ્યા પણ આપોઆપ હળવી થઈ જશે. આથી લકઝરી બસોને તેની મૂળ જગ્યાએ પીકઅપ અને ડ્રોપ કરવા દેવાની છુટ આપવામાં આવે તે ખાસ જરૂરી છે. વધુમાં ટ્રાવેલ્સ એસો.ના હોદેદારોએ એવું પણ જણાવ્યું હતું કે આવતીકાલે આ પ્રશ્ને તેઓ શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરનાર છે. આજરોજ એસો.ની મળેલી મીટીંગમાં એવું નકકી કરાયું હતું કે જો આ પ્રશ્ન વ્હેલી તકે હલ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ટ્રાવેલ્સ સંચાલકો લડત છેડશેતેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.