તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પશુ નિયમન કાયદો જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા માલધારીઓને આદેશ કરવામાં આવ્યો છે. જોકે સરકારે જાહેર કરેલા આ નિર્ણયને લઈ માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ પશુઓનું રજિસ્ટ્રેશન કરતા પહેલા પૂરતી વ્યવસ્થા ઉભી કરવા તેમજ રજિસ્ટ્રેશન કરવા સરકારી કર્મચારીઓને જે-તે સ્થળે મોકલવા સહિતની માગ પણ કરવામાં આવી છે. આ અંગે માલધારી સમાજના અગ્રણી રણજીતભાઈ મૂંધવાએ સિટિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મનફાવે તેમ અને રાત્રે સપનું આવે તેમ પશુઓનું રજિસ્ટ્રેશન કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. હકીકતમાં સરકારે આ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. રાજમાર્ગો પરથી ગાયો પકડવાને બદલે શેરી-ગલીમાંથી ગાયો પકડવામાં આવી રહી છે. સરકાર દ્વારા પશુઓનું રજિસ્ટ્રેશન કરવા માટે મનપાનાં કર્મચારીઓને માલધારીઓ પાસે મોકલવા જોઈએ. જે રીતે સરકાર મતદારોનું રજિસ્ટ્રેશન કરે છે તેવી જ રીતે ગાય માતાનું રજિસ્ટ્રેશન પણ કરવું જોઈએ. તેમજ સરકાર હાઇકોર્ટનાં આદેશ મુજબ કામ કરતી હોવાનો દાવો કરે છે તો માલધારીઓ પણ નામદાર હાઇકોર્ટમાં આ માટે રજૂઆત કરી શકે છે. આ સાથે આ અંગે માલધારી સમાજના અન્ય અગ્રણી રાજુભાઈ જુંજાએ સિટિ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પશુઓનું રજિસ્ટ્રેશન કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો માલધારી સમાજ સખત વિરોધ કરે છે. માલધારી સમાજના લોકોનો વ્યવસાય પશુપાલનનો છે અને તેના દ્વારા પરિવારનો નિભાવ થતો હોય છે. ત્યારે ફરજિયાત રજિસ્ટ્રેશનનો નિર્ણય પરત ખેંચવો જોઈએ.તેમજ જો આ અંગે કોઈ સચોટ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.