રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી ચક્કર ખાઇ બેભાન થઈ ઢળી પડ્યો હતો, આથી સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી.તેમજ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. આથી પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા છે. હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરોએ ઇસીજી અને તમામ સારવાર કરી હતી. બાદમાં ડોક્ટરે કહ્યું કે, આમાં કોઈ ચાન્સ છે નહીં તેવો રિપોર્ટ આપ્યો હતો. મુદિત બહુ જ ડાહ્યો વિદ્યાર્થી હતો. કોઈ દિવસ તેના ક્લાસ ટીચર દક્ષાબેને મુદિતની બીમારી અંગે ક્યારેય ફરિયાદ કરી નહોતી. પરંતુ તેની જિંદગી હોય તેમ બિચારો ભગવાનને ઘરે સીધાવ્યો છે.તેમજ સિવિલ હોસ્પિટલમાં જ સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા પિતા અક્ષયભાઈને કયા ખબર હતી કે તે જ્યાં ફરજ બજાવે છે ત્યાં એના દીકરાનો મૃતદેહ આવશે. તેઓએ હોસ્પિટલમાં રડતા રડતા ભારે હૈયે જણાવ્યું હતું કે, મુદિત સ્કૂલે ગયો હતો, જ્યાં તેને ચક્કર આવતા પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. બીજી તો કોઈ તકલીફ નહોતી, માત્ર તેને શરદીની એલર્જી હતી. પરિવારમાં ચાર સભ્યો હતા, હવે માત્ર ત્રણ જ રહ્યાં છે. ભગવાનની આગળ આપણું શું ચાલે?