રાજકોટમાં દિનપ્રતિદિન શાકભાજીના ભાવ વધી રહ્યા છે, જેને કારણે મધ્યમવર્ગીય લોકો પર તો બોજ વધી રહ્યો છે. લોકો જરૂર પૂરતી જ શાકભાજી ખરીદ કરે છે. તો હવે શાકભાજીના ધંધાર્થીઓ પણ હવે આ જ પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેટલો ઓર્ડર હોય, જેટલી જરૂરિયાત હોય એટલું જ શાકભાજી મગાવે છે. જેથી શાકભાજીના બગાડનો ખર્ચ કે નુકસાની પણ ઓછી ભોગવવી પડે. જરૂર પૂરતા જ શાકભાજી મંગાવવામાં આવે છે, એમાં 10 ટકા જેટલી નુકસાની જતી હોવાનું વેપારીઓ જણાવે છે. સૌથી વધુ ભાવ વધારો, કોથમરી અને ટામેટામાં જોવા મળી રહ્યો છે. તેમજ રોજેરોજના તેના ભાવ અલગ અલગ બોલાય છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો ટામેટાના ભાવમાં કિલોએ 200 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. શુક્રવારે ટામેટાનો ભાવ એક મણના રૂપિયા 2400એ પહોંચ્યો છે. જસદણ, ભાડલા, ગઢળિયા, ભંડારિયા સહિત જ્યાંથી વધુ શાકભાજી આવે છે ત્યાં વરસાદ વધુ પડતા ત્યાંથી શાકભાજીના પાક-વાવેતરને નુકસાન ગયું છે. હજુ એક મહિના સુધી ભાવ-આવકની આવી જ પરિસ્થિતિ રહે એવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. જેમઆ તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી શાકભાજી ઠલવાય છે. હાલ સૌરાષ્ટ્રના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેતા ત્યાંથી આવક ઘટી છે. શાકભાજીની આવક બીજા રાજ્યમાંથી થઈ રહી છે પરંતુ સ્થાનિક અને આંતરરાજ્ય શાકભાજીના ભાવ, સ્વાદ અને ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે.છે. ટામેટા પંજાબ, હિમાચલ પ્રદેશમાં પાક નિષ્ફળ જતા બેંગ્લોર, મહારાષ્ટ્રના ટામેટાનો પાક ત્યાં પણ જાય છે. આ રીતે બીજા રાજ્યમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળે છે.