આ વર્ષે ગણેશોત્સવને અનુલક્ષીને 9 ફૂટ કરતાં ઊંચી મૂર્તિ બનાવવા, રાખવા અને વેચાણ પર રાજયભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાજકોટમાં પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોટાભાગે જાહેરનામાનું પાલન થાય છે કે, કેમ? તે બાબતે પોલીસ આંખ આડા કાન કરે છે પરંતુ, રાજકોટમાં આ વખતે પોલીસે ગણપતિની 9 ફૂટ કરતાં ઊંચી મૂર્તિ બનાવનાર પશ્ચિમ બંગાળનાં મૂર્તિકાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગણેશ મહોત્સવનાં આયોજકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને મુખ્ય મોટા 5 આયોજકો દ્વારા આ વર્ષે મોટી મૂર્તિ રાખવા દેવા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજકોટનાં શાસ્ત્રી મેદાનમાં ‘રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવ’નાં આયોજક આશિષ વાગડીયાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં 9 ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધની વાત કરવામાં આવી હતી અને ગઈકાલે એક મૂર્તિકારે 9 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિ બનાવતા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કારણોસર અમે મૂર્તિકારનો પક્ષ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં રજૂઆત કરવા પહોંચેલા આયોજકોએ પોલીસ કમિશનર કચેરી પટાંગણમાં ‘ગણપતિ બાપા મોરિયા’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.