સીંગતેલના ટમેટાના ભાવમાં માંડ રાહત મળ્યા ત્યાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. છેલ્લા દસ દિવસથી શાકભાજીના ભાવમાં એકાએક વધારો નોંધાયો છે. ચોમાસામાં આકરો તાપ અને પાછોતરો વરસાદ પડવાથી શાકભાજીના પાકને અસર પડી છે. જેને પગલે હાલ યાર્ડમાં 50 ટકા જ માલની આવક છે. હાલ શ્રાધ્ધના દિવસો ચાલી રહ્યા છે. અનેક સ્થળોએ મોટી સંખ્યામાં જમણવારના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. ત્યારે માલનો ઉપાડ પણ સામાન્ય દિવસો કરતા વધુ થઈ રહ્યો છે. હવે ઓછી આવક સામે માલની માંગ વધારે છે. આ સંજોગોમાં છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવમાં 50% વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શાકભાજી વેચનારા વેપારીઓનું કહેવું છે કે, આગામી 10-15 દિવસ બાદ ઠંડીની સિઝન શરૂ થતા શાકભાજીના ભાવમાં નરમાશ આવશે. તેમજ શાકભાજીની મોટા પ્રમાણમાં આવક પણ રાબેતા મુજબ શરૂ થઈ જશે.