રાજકોટમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરા વિસ્તારમાં માતાજીના માંડવામાં થતી પશુબલીને અટકાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમ સાથે પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે 500થી વધુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ટોળાંને વિખેરવા માટે પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ પીઆઈ એ.બી.જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.