તાજેતરમાં રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાંથી હજારો કિલો અને લાખો રૂપિયાની કિંમતનો રેશનિંગનો અનાજનો જથ્થો કાળાં બજારમાં જાય એ પહેલાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો ઝડપાયા બાદ પુરવઠાતંત્રએ સીઝ કરી અને પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખ્યો હતો. તેમજ તત્કાલીન કલેકટર દ્વારા જે-તે સમયે પકડાયેલા જથ્થાને વિતરણમાં મૂકી દેવા આદેશ પણ કર્યો હતો એમ છતાં પુરવઠા નિગમના સતાવાળાઓ દ્વારા આ જથ્થો લાંબા સમય સુધી વિતરણ નહિ કરતાં તમામ જથ્થો સાવ સડી ગયો હોવાનું અને ખાવાલાયક પણ ન રહ્યો હોવાનું સામે આવ્યું છે.
દોઢ વર્ષ પહેલાં રાજકોટ જિલ્લા પુરવઠાતંત્રની ટીમે ઉપલેટામાંથી 20 લાખથી વધુ અને રાજકોટમાંથી 7 લાખ મળી કુલ 33 લાખની કિંમતના રેશનિંગના ઘઉં અને ચોખા બારોબાર વેચવા જતાં આરોપીઓને ઝડપી લીધા હતા અને આ અનાજના કટ્ટા સીઝ કરી રાજકોટ તેમજ ઉપલેટાનાં ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. રાજકોટ ગોડાઉન મેનેજર ચિરાગ વાછાણીએ જણાવ્યું હતું કે આ પૈકી 172 કટા ઘઉં કિંમત 1.27 લાખ રૂપિયા અને 452 કટા ચોખા કિંમત 3.25 લાખ રૂપિયાના રાજકોટ ઉપરાંત અન્ય મોટો જથ્થો ઉપલેટાનાં ગોડાઉન ખાતે રાખવામાં આવ્યો હતો.
કાનૂની પ્રક્રિયા લાંબી હોવાથી અનાજનું વિતરણ ન થયું
એકાદ મહિના પૂર્વે રાજકોટમાં રહેલા જથ્થાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં પુરવઠાનાં ધારાધોરણો અનુસાર ઘઉંનો જથ્થો ખાવાલાયક ન રહ્યો હોવાનું જાણવા મળ્યું. જોકે ચોખાનો જથ્થો હજુ પણ વિતરણ કરી શકાય એવી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. દોઢ વર્ષ સુધી અનાજનો જથ્થો વિતરણ નહીં કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે આ જથ્થો વિતરણ કરતાં પૂર્વેની કાનૂની પ્રક્રિયા લાંબી હોવાને લઇ હજુ સુધી એનું વિતરણ થયું નથી. જોકે રિપોર્ટ આવી ચૂક્યો હોવાથી ચોખાનો જથ્થો ટૂંક સમયમાં જ વિતરણ માટે મોકલી આપવામાં આવશે.
સ્થાનિક પુરવઠા નિગમના સતાવાળાઓએ ભયંકર બેદરકારી દાખવી
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના તત્કાલીન જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા પુરવઠા વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આ જથ્થો રેશનિંગના વિતરણમાં મુકી દેવા દોઢેક વર્ષ પહેલાં હુકમ કરાયો હતો. જોકે સ્થાનિક પુરવઠા નિગમના સતાવાળાઓએ ભયંકર બેદરકારી દાખવી અને આ જથ્થાને વિતરણ માટે મૂકયો ન હોવાથી પુરવઠા નિગમના ગોડાઉનમાં જ આ જથ્થો સડી ગયો છે અને આ પૈકી ઘઉંનો જથ્થો ખાવાલાયક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ મામલો ગાંધીનગર ખાતે પુરવઠા સચિવના ધ્યાને આવતાં તેમણે પણ આ અંગે તપાસનો આદેશ આપ્યો જાણવા મળ્યું છે.