રાજકોટમાં રોડના ખાડાનાં કારણે વધુ એકનું મોત થયું છે. આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો હતો. ખાડાના કારણે બાઈક પરથી કાબુ ગુમાવતા સાવન ખાતરાણી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે રાજકોટમાંથી પસાર થતો આ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાનું અનેક વખત પ્રકાશમાં આવી ગયું છે. જોકે આ મામલે અનેક વખત નેશનલ હાઇવે ઓથોરિટી અને રાજકોટ મહાનગરપાલિકા એકબીજાને ખો આપે છે. ગ્રીન લેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનો હાઇવેમાં ખાડાનું પ્રમાણ હોવાથી અકસ્માત ઝોન સમાન રોડ બની ગયો છે. આ તરફ સાવનના અકસ્માત મોતની જાણ પરિવારને થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેમ ભારે કલ્પાંત છવાયો હતો. પરિવારજનો અને સગા સંબંધી ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ તરફ આજીડેમ પોલીસના એએસઆઈ સુખાનંદી સ્ટાફ સાથે દોડી ગયા હતા. મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે અહી ઉલ્લેખનીય છે કે, આ રોડ પરના ખાડા બુરવા અનેક વખત રજુઆત થઈ છે પણ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ખાડા કારણે આ અકસ્માત સર્જાતાં હવે તંત્ર આંખ ઉઘાડે તેવી જરૂરિયાત છે.