રાજકોટમાં કથિત પત્રકારો પણ બિલાડીના ટોપની માફક ફાટી નીકળ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે કથીત પત્રકાર ટોળકીનો આતંક પણ વધવા લાગ્યો છે. તેના આતંકનો વધું એક બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટની સ્કૂલ સંચાલકના અંગત પળોના વિડીયો વાયરલ કરી 25 લાખની ખંડણી માંગતા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે મુખ્ય સૂત્રધાર આશીષ ડાભી સહિતના શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે સીસીટીવી આપનાર શખ્સની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે ગાંધીગ્રામમાં આવેલ ભારતી નગર શેરી નં.2 માં રહેતાં યશપાલસિંહ સિંધુભા ચુડાસમાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ ડાભી, એજાજ, ધર્મેશ અને તેઓની શૈક્ષણિક સંસ્થામાં સીસીટીવી કેમેરા ફિટ કરનાર માણસનું નામ આપતાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે બીએનએસ કલમ 308(5), 61(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.