રાજકોટ આરોગ્ય વિભાગે આજે મોટી કાર્યવાહી કરી છે. જેમાં બાતમીના આધારે શહેરની આજીડેમ નજીક આવેલ દિનદયાળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં મોટાપાયે લોલમલોલ સામે આવી છે. આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે દાઝેલુ તેલ,ટેસ્ટી મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અધિકારીઓ એકમ પર પહોંચ્યા ત્યારે મોટાપાયે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી. ફુડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે છે કે સંચાલકો દ્વારા ચણાને ચટપટા અને સ્વાદિષ્ટ બનાવવા માટે બોરિક એસિડ એટલે કે શંખ જીરૂનો ઉપયોગ કરતા હતા. આરોગ્ય અધિકારીની માનીએ તો શંખજીરૂ એટલે કે બોરિક એસિડ આરોગ્ય માટે હાનિકારક છે. શંખ જીરૂ ખાવાથી મ્હો અને આંતરડામાં ચાંદા પડી શકે છે, લાંબાગાળે અલ્સરની પણ બીમારી થવાની શક્યતા છે.