રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખાએ છેલ્લા એક મહિનામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી મોટી દરોડાની કામગીરી કરી છે. તાજેતરમાં મોરબી રોડ પરથી સાડા ચાર ટન માવાનો જથ્થો પકડી પાડયા બાદ ગઇકાલે ગાંધીગ્રામ અને રૈયા રોડ પરની ડેરીની માલીકીની જગ્યામાંથી અધધ સાત ટન મલાઇનો જથ્થો પકડી પાડતા નવરાત્રી અને દશેરાના તહેવારો પૂર્વે હજારો લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવ્યા છે. તેમજ ગાંધીગ્રામ અને રૈયા રોડ પર બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.1માં લાખના બંગલાવાળા રોડે ગાંધીગ્રામ પાસે આવેલ રવિરાજ આઇસ્ક્રીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ સાત હજાર કિલો મલાઇનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આ માલ પેક થઇને રૈયા રોડની જનતા ડેરીમાં જતો હતો અને જનતા ડેરીના નામે 8-8 કિલોના પેકીંગમાં સ્ટોર કરવામાં આવતો હતો. જગ્યાના સંચાલક ધર્મેન્દ્રભાઇ ચાવડાએ આરોગ્ય વિભાગને જણાવ્યું હતું કે આ જગ્યાએ જાન્યુઆરીથી માર્ચ-2023 સુધીમાં આ તમામ માલ પેક થયો હતો. તેના પર 3 થી 6 મહિનાની એકસપાયરી ડેટ દર્શાવવામાં આવી હતી. આ જગ્યા આ રીતે વાસી અને આરોગ્યને નુકસાનકારક લાગતા રાત્રે જ નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતાની ટીમે ટ્રક મારફત ડમ્પીંગ યાર્ડમાં મલાઇનો નાશ કરાવ્યો હતો. આ જથ્થાની કિંમત અંદાજે રૂા.20 લાખ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.