વર્લ્ડ કપ પૂર્વેનો અંતિમ વન ડે મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી તા.27ના રોજ રાજકોટમાં રમાવવાનો છે. બંને ટીમ ઇન્દોરમાં શ્રેણીનો બીજો વન ડે મેચ રમી તા.25ના રોજ ખાસ પ્લેન મારફતે રાજકોટ આવી પહોંચશે. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ મુંબઇથી હવાઇ માર્ગે રાજકોટ આવી પહોંચશે. ત્યારે ત્રણ દિવસ રાજકોટના મહેમાન બનનાર ભારતીય ટીમના ખેલાડીઓને આવકારવા માટે થનગનાટ શરૂ થયો છે. ભારતીય ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ ટીમને સયાજી હોટેલમાં ઉતારો અપાયો છે. જેથી ટીમને આવકારવા માટે હોટેલ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી હોટેલ બહાર ખેલાડીઓના મોટા કટઆઉટ ગોઠવવામાં આવ્યા છે. હોટેલ સયાજી દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓને કાઠિયાવાડની પરંપરા મુજબ રાસ-ગરબાની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવશે. હોટેલ સયાજી દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓ માટે નાસ્તામાં ગાંઠિયા, ફાફડા-જલેબી, ઢોકળા અને ભોજનમાં કાઠિયાવાડી ભોજન, પૂરણપોળી, લચકો સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. હોટેલ સયાજીમાં કુલ 76 રૂમ ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે બુક કરવામાં આવ્યા છે.