રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જે અંતર્ગત યાજ્ઞિક રોડ નજીક જુદા-જુદા ચાર રસ્તાઓને વન-વે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 20 જાગનાથ પ્લોટનાં રોડને પણ વન-વે જાહેર કરી દેવામાં આવ્યો છે. જો કે, પોલીસ કમિશ્નરના આ નિર્ણયને લઈ સ્થાનિક વેપારીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે વેપારીઓએ બપોરે 12થી 2 ધંધા બંધ રાખીને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી. આ અંગે અહેસાન ચૌહાણ નામના વેપારીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વન-વેની કોઈ જરૂર નથી. અહીં મોટી માર્કેટમાં નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ચલાવે છે. વન-વે જાહેર થવાને કારણે તેમના વેપાર ધંધા ઉપર અવળી અસર પડી છે. અચાનક ચાર-ચાર રસ્તા વન-વે કરવામાં આવે તો કેમ વેપાર કરવો? યાજ્ઞિક રોડ ઉપર રાત્રિબજાર ભરાય છે તેને બંધ કરાવી શકતા નથી અને વેપારીઓનાં રોજગાર ખોરવાય તેવો નિર્ણય લેવાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ રસ્તા ઉપરથી પસાર થતા લોકો માત્ર બજાર જ નહીં નજીકમાં આવેલી બ્લડ બેન્ક તેમજ હોસ્પિટલોમાં જતા હોય છે. આ રસ્તાને અચાનક વનવે જાહેર કરવામાં આવતા દર્દીઓ તેમજ તેમના સગાઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ આટલી મોંઘવારીમાં લાખોની દુકાનો લઈને બેઠા છે, તેનો ધંધો બંધ કરાવવા જેવો આ નિર્ણય છે. જેને લઈને આજે તમામ વેપારીઓએ બપોરે બે કલાક પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો છે. આ સાથે, તાત્કાલિક આ રસ્તાને વન-વે જાહેર કરવાનો નિર્ણય પરત લે તેવી માંગ પણ કરવામાં આવી હતી.