રાજકોટ મહાનગરપાલિકા માં ભરતી-બઢતી સહિતના મામલે આજે આંદોલનના કાર્યક્રમ વચ્ચે એકાએક કમિશ્નર અને યુનિયન વચ્ચે ભડકો થઇ જતા લાંબા સમય બાદ કોર્પો.માં વીજળીક હડતાલ પડી હતી. આ હડતાલનું કારણ પડતર પ્રશ્ર્ન, માંગણીઓના બદલે યુનિયન નેતાઓ અને કર્મચારીઓ સાથે સુરક્ષા અધિકારીના વ્યવહાર અને તે બાદ કમિશ્નર સાથેની રકઝક બન્યા હતા. આજે અઢી કલાક લોકોના તમામ કામ ઠપ્પ થઇ ગયા બાદ એક તબકકે આવશ્યક સેવા ખોરવી નાંખવાની તૈયારી પણ જાહેર કરવામાં આવી હતી. આજે બપોરે રામધુન અને સુત્રોચ્ચાર બાદ યુનિયન નેતાઓ કમિશ્નરને રજુઆત કરવા જવાના હતા પરંતુ કમિશ્નરની સુરક્ષા વ્યવસ્થાની સૂચના વચ્ચે વિજીલન્સ ઓફિસરે આગેવાનોને રોકયા હતા. તમામ લોકો રજુઆત કરવા જવા માંગતા હોવાથી તેમને અટકાવી દેવાયા હતા. આ સમયે તેઓને લોબીમાંથી કાઢવા માટે કડક કાર્યવાહીની તૈયારી કરવામાં આવતા યુનિયન નેતાઓ ઉશ્કેરાયા હતા અને તેઓ કોઇ અસામાજિક તત્વો નથી તેવું કહ્યું હતું.અમુક આગેવાનોના કાઠલા પણ પકડી લેવાયાનો આક્ષેપ કર્યો હતો. આગેવાનો અમિત ચોલેરા, જયેન્દ્ર મહેતા, બી.બી.જાડેજા વગેરેએ સુરક્ષા સ્ટાફને સંયમથી વાત કરવા કહ્યું હતું. પરંતુ તેઓને નીચે ઉતારી દેવાતા હડતાલની નોબત આવી હતી. આ બાદ કમિશ્નરે થોડા આગેવાનોને બોલાવ્યા હતા. ચેમ્બરમાં અમિત ચોલેરાએ સૌપ્રથમ માંગણીના બદલે વિજીલન્સ પોલીસે તેઓ સાથે કરેલા વર્તનની ફરિયાદ કરી હતી. બેહુદુ વર્તન કરાયાનો રોષ ઠાલવ્યો હતો. આ ગેરવર્તન બદલ કાર્યવાહી કરવા અને સૂચના આપવા તેમણે રજુઆત કરી હતી. પરંતુ કમિશ્નરે પણ સંયમથી વાત કરવા અને આવી ઘટનાના પુરાવા હોય તો કાર્યવાહી કરાશે તેવું કહ્યું હતું. એક તબકકે બંને પક્ષે ઇગો જેવો માહોલ ઉભો થઇ જતા યુનિયન નેતાઓ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા હતા. કમિશ્નરે કાર્યવાહીની ખાતરી આપતા આટલા સમયથી માંગણીઓ અંગે પણ વિશ્ર્વાસ રાખવાથી કંઇ મળ્યું નથી તેવું કહ્યું હતું. બાદમાં રીસેષ સુધી આ માથાકૂટ ચાલી હતી.