એન્કરઃ રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેમાં સવારે-સાંજ શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે અને રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. મનપાનાં ચોપડે છેલ્લા સપ્તાહમાં શરદી-ઉધરસનાં સૌથી વધુ 1,263 કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ 1-1 કેસ સહિત કુલ 1,695 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તો ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. લાંબા સમય બાદ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના 1,263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે.